નિવેદન

       મા ભગવતીની શુભાશિષ અને શ્રી અરવિન્દ મહાપ્રભુની પ્રસન્ન પ્રેરણા ' સાવિત્રી પ્રકાશન' ના કાર્યને અનેક વિધ્નોમાં થઈને આગળ ધપાવી રહી છે. 'સાવિત્રી' મહાકાવ્યના અનુવાદનું આ ઉપાંત્ય પાંચમું પુસ્તક એ દિવ્યાત્માઓની કૃપાનું અમૃતફળ છે. આ પછી પુર્ણાહુતિના પ્રેમપુષ્પ રૂપે ' સાવિત્રી'નું  છઠઠું ને છેલ્લું પુસ્તક મહાગુજરાતના સહૃદયોને સમર્પવાનું સદભાગ્ય સેવવાનો શુભ લહાવો લઈ એક તરફથી હું કૃતાર્થ થઈશ તો બીજી તરફથી 'સાવિત્રી'નું સેવન કરી સહૃદયો સુકૃતાર્થ થશે.

       ' સાવિત્રી' અધ્યાત્મ રત્નોનો અખૂટ ભંડાર છે. શ્રી અરવિન્દને ઋત-ચેતનાના રત્નાકરમાંથી પ્રાપ્ત થયેલાં મહાર્હ રત્નો ' સાવિત્રી' માં ઉદારતાથી વેરાયેલાં વિલસી રહ્યાં છે. પૃથ્વીનાં દારિધ્રોને આ ઉઘાડો રત્નભંડાર આંમત્રણ આપી રહ્યો છે. જેને જે ને જેટલું જોઈએ તે ને તેટલું સુખપૂર્વક લઈ શકે છે. એ અક્ષય છે ને સદાકાળ માટે અક્ષય રહી સ્વર્ગોની સંપત્તિઓ સંસારને આપતો રહેશે.

        પણ ' સાવિત્રી' માં પ્રવેશ કરવાનો મોટા ભાગના માણસોને મુશ્કેલ લાગતો માર્ગ અધ્યાત્મમાં રહેલો છે. જડ માનસ બહાર અટવાયા કરશે, ભાવરહિત હૃદયને ભુલભુલામણી જેવું લાગશે ને એ એમાં ભૂલું પડી જશે. અંતરતર મનને અને ગહનતર હૃદયને એમાં રાજમાર્ગ મળી જશે ને અંતરાત્માનાં દોરાયાં દોરાઈને ને પ્રેરાયાં પ્રેરાઈને એ પોતાની યાત્રાને મહાસુખની યાત્રા બનાવી દેશે. પગલે પગલે એમની આસપાસ અલૌકિક સૌન્દર્ય સત્કારતું પ્રકટ થશે; સ્વર્ગીય સંગીતોના ધ્વનિને ને પ્રતિધ્વનિને સુણતો રસાત્મા પ્રભુના પ્રેમના ધામમાં પ્રવેશશે એ કાવ્યની કટોરીમાં અમૃતરસનાં પાન કરી પરમાનંદમય બની જશે, જ્યોતિઓનાં ઉપવનોમાં વિહાર કેરશે, સત્યોનો સાથ મેળવશે, શાંતિઓનો સહચારિ બની જશે ને મૃત્યુના ઉદરમાંથી અમૃતાત્માનો મહિમા મેળવી જીવનને જગન્નાથજીનું જીવન બનાવી દેશે.

         આ અદભુત મહાકાવ્ય શું છે ને કયે પ્રકારે એનું શ્રેયસ્કર સેવન કરી શકાય છે તે વિષે સાવિત્રીના પાત્રમાં જે પોતે એમાં આલેખાયેલાં લાગે છે તે શ્રી માતાજી આ પ્રમાણે કહે છે :


           "... તો પછી એમ કહેવાય કે " સાવિત્રી' એક આવિષ્કાર છે, એક ધ્યાન છે, અનંતની, સનાતનની શોધ છે. અમૃતત્વની  આ   અભીપ્સા સાથે જો એ વાંચવામાં આવે તો વાચન પોતે જ અમૃતત્વની દિશામાં એક માર્ગદર્શકનું કાર્ય કરશે. 'સાવિત્રી' નું પઠન સાચે જ યોગાભ્યાસ છે, આધ્યાત્મિક એકાગ્રતા છે; પરમાત્માનો સાક્ષાત્કાર કરવા માટે જે કંઈ જરૂરનું છે તે બધું એમાંથી મળી શકે છે. યોગના પ્રત્યેક પગથિયાનો એમાં ઉલ્લેખ થયેલો છે ને સાથે સાથે બીજા બધા યોગોનાં રહસ્યોનો પણ. બેશક, માણસ જો સાચા સહૃદય ભાવથી પ્રત્યેક કડીમાં અહીં જે પ્રકટ કરવામાં આવ્યું છે તેનું અનુસરણ કરે તો વિજ્ઞાનયોગના દિવ્ય રૂપાંતરે આખરે પહોંચશે. ખરેખર, 'સાવિત્રી' એક અચૂક ભોમિયો છે, જે ભોમિયો આપણને કદી છોડીને જતો રહેતો નથી; યોગમાર્ગનું અનુસરણ કરવાની આસ્પૃહા રાખનારને હમેશાં એનો આધાર મળતો રહે છે. 'સાવિત્રી' ની એકેએક કડી પ્રકટ થયેલા મંત્ર સમાન છે ને એ જ્ઞાનની દૃષ્ટિએ માણસે જે કંઈ પોતાનું બનાવ્યું છે તેનાથી ચઢી જાય છે, અને હું ફરીથી કહું છું કે 'સાવિત્રી' ના શબ્દો એવી રીતે અભિવ્યક્ત થયા છે ને એવી રીતે ગોઠવાયા છે કે તેમના લયના ધ્વનિની સૂરતા તમને આદિ નાદ ' ઓમ્' પ્રત્યે દોરી જાય છે.

        વત્સ !  હા, 'સાવિત્રી' માં સર્વનો સમાવેશ થયેલો છે. રહસ્યવાદ, ગુહ્યવિદ્યા, તત્વજ્ઞાન, ઉત્ક્રાંતિનો, માનવનો, દેવોનો,  સૃષ્ટિનો  અને પ્રકૃતિનો ઇતિહાસ, એ બધું જ એની અંદર છે. વિશ્વ શી રીતે, શા માટે અને શા ઉદ્દેશથી સર્જવામાં આવ્યું છે અને એનું ભાવિનિર્માણ શું છે, તે બંધુ જ એની અંદર છે. તમારા સઘળા પ્રશ્નોના સઘળા ઉત્તરો તમને એમાંથી મળશે. બધું જ એમાં સમજાવવામાં આવ્યું છે. મનુષ્યનું ને ઉત્ક્રાંતિનું ભાવી અને હજુ સુધી જેને કોઈ જાણતું નથી તે પણ તેમાં સમજાવવામાં આવ્યું છે. આ બધી વસ્તુઓ એમણે એવા સુંદર અને સ્પષ્ટ શબ્દોમાં વર્ણવી છે કે બ્રહ્યાંડની રહસ્યમયતાઓનું મર્મ મેળવવાની ઈચ્છાવાળા અધ્યાત્મના ' સાહસિકો' એ સર્વેને વધારે સહેલાઈથી સમજી શકે. પરંતુ આ રહસ્યમયતા પંક્તિઓની પાછળ ઠીક ઠીક છુપાયેલી છે, એટલે એને શોધો કાઢવા માટે આવશ્યક સત્ય ચૈતન્યની અવસ્થાએ રોહવાનું હોય છે. બધી ભવિષ્યવાણીઓ, જે આવવા-વાળું છે તે બધું ચોક્કસ ને ચમત્કારી વિશદતા સાથે રજુ કરવામાં આવ્યું છે. શ્રી અરવિન્દ અહીં સત્યને શોધી કાઢવા માટેની, ચેતનાને શોધી કાઢવા માટેની ચાવી આપે છે, જેને લીધે ભેદીને પ્રકાશ ત્યાં પ્રવેશે અને એને રૂપાંતર પમાડે. માણસ અજ્ઞાનમાંથી પોતાને કેવી રીતે મુક્ત કરી શકે અને છેક પરમોચ્ચ ચૈતન્ય સુધી આરોહીને જાય તે માટેનો માર્ગ એમણે બતલાવ્યો છે. ચેતનાની પ્રત્યેક અવસ્થા, પ્રત્યેક ભૂમિકા, આરોહણ કરીને ત્યાં કેવી રીતે જવાય, મૃત્યુનો આડો અંતરાય પણ કેવી રીતે ઓળંગી જવાય અને અમૃતત્વે પહોંચાય તે સર્વ એમણે એમાં બતલાવ્યુ છે. આખી યાત્રા તમને વિગતવાર મળશે અને તમે  જેમ જેમ આગળ વધતા જશો તેમ તેમ મનુષ્યોને સર્વથા અજ્ઞાત એવી વસ્તુઓને પણ શોધી કાઢવાનું તમારે માટે


શક્ય બનશે. એ છે 'સાવિત્રી' અને એના કરતાંય એ ઘણું વધારે છે. 'સાવિત્રી' નો પાઠ કરવો એ ખરેખાત  એક અનુભવ છે. માણસ પાસે જે રહસ્યો હતાં તે એમણે પ્રકાશમાં આણ્યાં છે; આ ઉપરાંત ભવિષ્યમાં જે સર્વ એની રાહ જોઈ રહ્યું છે તે પણ એમણે પ્રકટ કર્યું છે; અને આ બધું 'સાવિત્રી' ના ઊંડાણમાંથી મળી આવે છે. પરંતુ આ સર્વને શોધી કાઢવા માટેનું જ્ઞાન માણસ પાસે હોવું જોઈએ, ચૈતન્યની ભૂમિકાઓનો અનુભવ હોવા જોઈએ, અતિમનસનો અને મૃત્યુ ઉપરના વિજયનો પણ અનુભવ હોવો જોઈએ. પૂર્ણયોગમાં પૂર્ણતયા આગળ વધવાને માટે શ્રી અરવિન્દે બધી જ અવસ્થાઓનો ઉલ્લેખ કર્યો છે, એકેએક પગલાને ચિહ્નનાંકિત કર્યું છે.

      આ સર્વ શ્રી અરવિન્દનો પોતાનો અનુભવ છે અને સૌથી મોટી આશ્ચર્યની વાત તો એ કે એ મારો પોતાનો પણ અનુભવ છે. એમણે મારી સાધનાને સાવિત્રીમાં પરિણત કરી છે. એમાં આવતી પ્રત્યેક વસ્તુ, પ્રત્યેક ઘટના, પ્રત્યેક સાક્ષાત્કાર, સર્વે વર્ણનો અને રંગો સુધ્ધાંય મેં જેવા જોયા હતા તેવા જ, અને શબ્દો તથા શબ્દસમુહો મેં જેવા સાંભળ્યા હતા તેવા જ બરાબર છે. અને આ બધું મેં 'સાવિત્રી' વાંચી તે પહેલાંનું છે. ત્યાર પછી તો 'સાવિત્રી' મેં અનેક વાર વાંચી. પરંતુ તે પૂર્વે જયારે પોતે  'સાવિત્રી' લખતા હતા ત્યારે રાત્રે પોતે જે લખતા તે સવારે મને વાંચી સંભળાવતા. અને વિલક્ષણ જેવું જે મારા ધ્યાનમાં આવ્યું તે એ કે દિન પર દિન જે અનુભવો એ સવારે મારી આગળ વાંચતા તે શબ્દે શબ્દ તેની પહેલાંની રાતના મારા અનુભવો હતા. હા, એ આખું વર્ણન, રંગો, ચિત્રો, જે સૌ મેં જોયું હતું તે અને મેં સંભાળ્યા હતા તે શબ્દો-બધું જ એમણે કવિતામાં, અદભુત કવિતામાં ઉતાર્યું હતું. હા, એ અનુભવો તે પહેલાંની રાતના બરાબર મારા અનુભવો હતા અને એમણે એ સવારે વાંચી સંભળાવ્યા હતા. અને આવું એક દિવસ નહીં પણ દિવસોના દિવસો સુધી સળંગ ચાલતું. હરવખત હું એમનું વાંચી સંભળાવેલું મારા પૂર્વના અનુભવ સાથે સરખાવતી  ને જોતી કે એ બન્ને એકસમાન હતાં. ફરીથી કહું છું કે મેં મારા અનુભવોની એમને વાત કરી હોય ને તે કેડે એમણે એ નોંધી લીધા હોય એવું કશું જ નહોતું, નહિ, પરંતુ મેં જે જોયું હતું એ પહેલેથી જ જાણતાહતા. એમણે લંબાણથી જે આલેખ્યા છે તે મારા અનુભવો તો હતા પણ જોડે જોડે એ એમના પણ હતા. અને આ તો  અજન્મામાં અથવા તો અતિમનસમાં અમારા સહિયારા સાહસનું ચિત્રણ હતું.

         આ બધા એમણે પોતામાં જીવંત બનાવેલા અનુભવો છે, અધ્યાત્મ વાસ્તવિકતાઓ છે, વિશ્વ પારનાંસત્યો છે. આપણે જેમ હર્ષ ને શોક અનુભવીએ છીએ તેમ એમણે સ્થૂલ શરીરમાં આ બધું અનુભવ્યું છે. અચિત્ ના અંધકારમાં એ ચાલ્યા છે, છેક મૃત્યુની સમીપતામાંય ચાલ્યા છે, નરકાયતનની યાતનાઓય  સહી છે, કીચડમાંથી એ બહાર નીકળ્યા છે, પૃથ્વીની પીડામાંથી ઉપર આવ્યા છે અને પૂર્ણતાના શ્વાસોચ્છવાસ લીધા છે, પરમાનંદમાં પ્રવેશ કર્યો છે. એમણે આ બધા પ્રદેશોને


 પાર કર્યા છે, એનાં પરિણામોમાં થઈ એ પસાર થયા છે, દુઃખ સહ્યું છે, અને કલ્પ્યાં ન જાય એવાં દેહનાં કષ્ટ વેઠયાં છે. અત્યાર  સુધીમાં એમના જેટલું કોઈએ સહન કર્યું નથી. દુઃખને પરમાત્મા સાથેની એકતાના આનંદમાં પલટો પમાડવા માટે એમણે દુઃખોનો સ્વીકાર કર્યો. જગતના ઇતિહાસમાં આ અનન્ય ને અનુપમ છે. કદીય ન બન્યું હોય એવું કંઈક એ છે. અજ્ઞાતમાં માર્ગરેખા આંકવાવાળાઓમાં એ પ્રથમ છે, જેને પરિણામે આપણે અતિમનસ પ્રતિ ખાતરીબંધ પગલે ચાલવાને શક્તિમાન થઈએ. આપણે માટે કામ એમણે સરળ બનાવી દીધું છે. 'સાવિત્રી' છે એમનો દિવ્ય રૂપાંતરનો આખોય યોગ, અને પૃથ્વીની ચેતનામાં આ યોગ અત્યારે પહેલી જ વાર આવે છે."

          આવા આ શ્રી અરવિન્દના અપૂર્વ અધ્યાત્મ કાવ્યને અધ્યાત્મભાવથી આત્મા ભરીને આપણે ઉપસીશું, શિવમાનસથી એનું ઉપસેવન કરીશું, પ્રભુપ્રેમથી પુલકિત હૃદયે એની આરાધના કરીશું, પ્રફુલ્લ પ્રાણે પૂજીશું અને એનાં દૈવી આંદોલનોથી આખાયે અસ્તિત્વને આંદોલિત બનાવવાની અભીપ્સા રાખીશું. 'સાવિત્રી' પોતે જ પોતાનું રહસ્યમય હૃદય આપણી આગળ ઉઘાડશે અને એમાંથી સ્વલ્પ પણ જો આપણે આપણા જીવનમાં જીવંત બનાવીશું તો જન્મારા સફળ થઈ જશે.

      ૨૧  ફેબ્રુઆરી,  ૧૯૭૫

                                                                                      ---પૂજાલાલ